SGCCI દ્વારા કેલીડોસ્કોપ સિરીઝ અંતર્ગત ‘રીચેસ્ટ પર્સન બનવા માટેની સામાન્ય ટેવો’ વિષય ઉપર સેશનનું આયોજન
સુરત : SGCCI દ્વારા કેલીડોસ્કોપ સિરીઝ અંતર્ગત ‘રીચેસ્ટ પર્સન બનવા માટેની સામાન્ય ટેવો’ વિષય ઉપર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે અશ્વી કન્સલ્ટન્સી સર્વિસના સીઇઓ ગણપત ધામેલીયાએ યુવાનોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ગણપત ધામેલીયાએ જણાવ્યું હતું કે, કોલેજમાંથી બહાર પડતાની સાથે જ યુવાનો નોકરીએ જોડાય એટલે પાંચ આંકડામાં પગાર મળે તેવી અપેક્ષા રાખે છે. જો કે, કમાવવાને બદલે વધારે કામ કેવી રીતે કરી શકાય અને પોતાના નોલેજમાં કેવી રીતે વધારો કરી શકાય તે દિશામાં યુવાનોએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે. આપણા દેશનું ભવિષ્ય આજના યુવાનો જ છે. આથી યુવાનોએ સારી આદતો કેળવવી હોય તો તેમાં સૌપ્રથમ તેઓ જીવનમાં કયાં પહોંચવા માગે છે એટલે કે એક ગોલ નકકી કરીને તેને મેળવવા માટે સખત મહેનત કરવાની આદત યુવાનોને કેળવવી પડશે.
તેમણે યુવાનોને જાપાનના સોઇચીરોનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, સોઇચીરોએ વિશ્વને બેસ્ટ એન્જીન આપવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું હતું અને તેના ઉપર જ કામ કરવાની આદત કેળવી હતી. અંતે તેમણે દુનિયાને બેસ્ટ એન્જીન આપ્યું અને વિશ્વને હોન્ડા જેવી કંપની મળી શકી. તેમણે પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ મુકવાની આદત વિકસાવવા યુવાનોને સલાહ આપી હતી. મહાત્મા ગાંધીજીનું ઉદાહરણ આપતા તેમણે કહયું હતું કે, આત્મવિશ્વાસ હોય તો સામાન્ય વ્યકિત પણ મહાત્મા બનીને દેશના રાષ્ટ્રપિતા બની શકે છે. વિશ્વને આજે જે અબજોપતિ મળ્યા છે તેઓના જીવનનું ધ્યેય માત્ર રૂપિયા કમાવવાનું કયારેય ન હતું. તેઓ માનવ ઉત્થાનને ધ્યાનમાં રાખીને કામ કરતા ગયા અને આજે અબજોપતિ બની ગયા છે. આથી દરેક માનવીનું ભલુ વિચારવાની આદત કેળવવા તેમણે યુવાનોને સલાહ આપી હતી.
ગણપત ધામેલીયાએ વધુમાં કહયું હતું કે, તમે મહિને કેટલા કમાવો છો અને કેટલા કમાવવા માગો છો તેમજ જે કમાવવા માગો છો એના માટે કેટલી મહેનત કરવી પડશે તેના માટે સેલ્ફ એનાલિસિસ કરવાની ટેવ પાડવા જણાવ્યું હતું. એના માટે દિવસમાં એક વખત પોતાની સાથે એકાદ કલાક વાત કરવાની આદત બનાવવા સલાહ આપી હતી. તેમણે કહયું કે, બધાને જ દિવસમાં એકસરખા ર૪ કલાક જ મળે છે. સમયનો સદુપયોગ કરીને કેટલાક જીવનમાં ઘણા આગળ નીકળી જાય છે તો મોટાભાગના પાછળ રહી જાય છે. આથી દૃઢ નિશ્ચય સાથે કામ કરવાની આદત કેળવવા તેમણે યુવાનોને હાંકલ કરી હતી.
આ સેશનમાં ચેમ્બરના ગૃપ ચેરમેન પરેશ લાઠીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સેશનના અંતે ચેમ્બરની ડેટાબેંક કમિટીના ચેરમેન મિલન ભિંગરાડીયાએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.