SGCCI દ્વારા કેલિડોસ્કોપ સિરીઝ અંતર્ગત ‘વર્તમાન પરિસ્થિતિમાં યુવાનોની ભૂમિકા’ વિષય ઉપર સેમિનારનું આયોજન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેલિડોસ્કોપ સિરીઝ અંતર્ગત ‘વર્તમાન પરિસ્થિતિમાં યુવાનોની ભૂમિકા’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નંદકિશોર શર્માએ યુવાઓને ‘સ્વ’કરતા ‘સહ’ને મહત્વ આપી ‘માનવ ઉત્થાન’ની દિશામાં પ્રયાસ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
નંદકિશોર શર્માએ જણાવ્યું હતું કે, ભારતના ઇતિહાસ ઉપર એક નજર કરીએ તો ઇતિહાસમાં પણ મુગલો અને અંગ્રેજો સામેની લડાઇમાં ભારતીયોની સામે ભારતીય લડતા હતા. કારણ કે તે સમયે પણ ભારતીય યુવાઓને કેટલાક લોકો ભડકાવવાનું કામ કરતા હતા અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કરી લેતા હતા. તેમણે આજની યુવા પેઢીને દેશની સામે જે મોટા – મોટા પડકારો છે તેની સામે લડવા માટે આહ્વાન કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આઝાદી પહેલા દેશના યુવાઓ સામે દેશની આઝાદી જ મુખ્ય લક્ષ્ય હતું. એના માટે સેંકડો યુવાઓએ સંઘર્ષ કર્યો હતો અને બલિદાન આપી દેશને આઝાદી અપાવી હતી, પરંતુ આજના યુવાઓ સામે કોઇ મોટું લક્ષ્ય દેખાતું ન હોય તેમ જણાઇ રહયું છે. દેશની સામે ઘણા પડકારો છે. સૌથી મોટા પડકારોમાં આતંકવાદ, ધર્માંતરણ, નકસલવાદ અને અર્બન નકસલવાદનો સમાવેશ થાય છે. આ બધા પડકારો આજના યુવાઓના ધ્યાનમાં હોવા જોઇએ અને તેનાથી દેશને મુકત કરાવવાની દિશામાં તેઓએ પ્રયાસ કરવો જોઇએ.
નંદકિશોર શર્માએ વધુમાં કહયું હતું કે, વ્યકિતનું આચરણ કેવી રીતે શ્રેષ્ઠ બની શકે? તે દિશામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રયાસ કરે છે. યુવાઓએ વ્યકિતગત સ્વાર્થને બાજુમાં મુકીને દેશના વિકાસ માટે વિચારવું જોઇએ. તેમના માટે સ્વ કરતા પરિવાર, ગ્રામ્ય, શહેર, રાજ્ય અને દેશ મહત્વનો હોવો જોઇએ. વિશ્વના દરેક વ્યકિતનો વિકાસ મહત્વનો હોવો જોઇએ. આથી યુવાનોએ સ્વ કરતા સહને મહત્વ આપી માનવ ઉત્થાનની દિશામાં પ્રયાસ કરવો જોઇએ.
આ સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સેમિનારનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના ભૂતપૂર્વ માનદ્ મંત્રી તેમજ હાલમાં આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીના એડવાઇઝર આશા દવેએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.