૩૨મા નેશનલ રોડ સેફટી માસ અંતર્ગત વનિતા વિશ્રામ ખાતે માર્ગ સલામતીનો વેબિનાર યોજાયો
ટ્રાફિક નિયમો, માર્ગ સલામતી વિષયક જનજાગૃત્તિ અંગે માર્ગદર્શન અપાયું
યુવાઓએ સભ્ય નાગરિક તરીકે ટ્રાફિક નિયમોનું કર્તવ્ય સમજીને પાલન કરવું જોઈએ : એસીપી એચ.ડી. મેવાડા
સુરતઃ ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે વનિતા વિશ્રામ વુમન્સ કોલેજ ઓફ કોમર્સ કોલેજ ખાતે ૩૨મા નેશનલ રોડ સેફટી માસ અંતર્ગત ‘રોડ સેફટી એન્ડ ટ્રાફિક એજ્યુકેશન’ વિષય પર ૧૪મો રાષ્ટ્રીય સ્તરનો વેબિનાર યોજાયો હતો. વેબિનારમાં ૨૪૧ થી વધુ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેઓને રોડ સેફ્ટી અંતર્ગત ટ્રાફિક નિયમો, માર્ગ સલામતી અને જાગૃત્તિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ટ્રાફિક રિજીયન-૩ ના એસીપીશ્રી એચ.ડી.મેવાડાએ જણાવ્યું કે, યુવાઓએ ટ્રાફિક નિયમોનું પાલન કર્તવ્યના રૂપમાં કરવું જોઈએ. તેમણે રોંગ સાઈડમાં વાહન વાહન ચલાવવાના ગેરફાયદા, જીવના જોખમ વિશે વિસ્તૃત માહિતી આપી અને ઓડિયો-વિઝ્યુઅલના માધ્યમથી અકસ્માતના કારણો, માનવીય ભૂલોનું વિશ્લેષણ કરી તેના નિવારણ માટે માર્ગદર્શન આપ્યું હતું, અને અને માર્ગ અકસ્માત ઓછા થાય તે માટે ટ્રાફિક વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા ઘનિષ્ઠ પ્રયાસો વિશે સમજ આપી હતી. શ્રી મેવાડાએ વેબિનારના આયોજન બદલ ટ્રાફિક વિભાગ અને D.T.E.Wને અભિનંદન આપી રોડ અકસ્માત નિવારણ અંગે લોકોના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.
રોડ સેફ્ટી ટ્રેનર અને DTEWS ના પ્રેસિડેન્ટશ્રી બ્રિજેશ વર્મા દ્વારા ડ્રાઈવિંગ લાઇસન્સની માહિતી, સરકારશ્રીની રોડ સેફ્ટી અંગેની યોજનાઓ, રોડ અકસ્માત વખતે નાગરિકોનું કર્તવ્ય (Good Samiritans) તેમજ રોંગ સાઈડ વાહન ચલાવવાથી ગંભીર થતાં અકસ્માતો, વાહન ચલાવવાના નિયમો તેમજ અકસ્માત નિવારણ માટે ઉપયોગી માર્ગદર્શન અને નિયમો અંગે તલસ્પર્શી સમજ આપી હતી.
વેબિનારમાં ડિજીટલ રીતે જોડાયેલી તમામ વિદ્યાર્થિનીઓને ઈ- સર્ટીફિકેટ આપવામાં આવ્યાં હતાં.
નોંધનીય છે કે, શહેર તેમજ જિલ્લાની દરેક કોલેજોમાં આવનારા દિવસોમાં રોડ સેફટી અંગે વેબિનારનું આયોજન કરવામાં આવનાર છે, જો કોઈ કોલેજ, શાળા કે સંસ્થામાં આયોજન કરવા માંગતા હોય તો તે માટે શ્રી બ્રિજેશ વર્મા- મો.૯૭૨૪૨૭૭૭૭૧ ઉપર સંપર્ક કરવા ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા જણાવાયું છે.
આ પ્રસંગે વનિતા વિશ્રામ મહિલા કોમર્સ કોલેજના આચાર્ય ડો.અભિલાષા અગ્રવાલ, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.ક્રિષ્ના દેસાઈ, કિરણ દેસાઈ, ભૂમિ દેસાઈ, DTEWSના સેક્રેટરી હિતેશ રાણા તેમજ ઈ-માધ્યમથી વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.