‘વિવાદ સે વિશ્વાસ સ્કીમ’ વિશે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે ‘વિવાદ સે વિશ્વાસ સ્કીમ’ વિશે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના ઇન્કમ ટેકસ વિભાગના પ્રિન્સીપલ ચીફ કમિશનર અમિત જૈન (IRS) દ્વારા ટેકસ પ્રેકટીશનર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઉદ્યોગ સાહસિકોને ‘વિવાદ સે વિશ્વાસ સ્કીમ’અંગે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેશનમાં તેમણે ટેકસ પ્રેકટીશનર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સ્કીમ સંબંધિત વિવિધ મૂંઝવણો પણ દૂર કરી હતી અને તેમના તરફથી મળેલા સૂચનો પણ સહર્ષ સ્વીકાર્યા હતા.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત ડાયરેકટ ટેકસ કલેકશનમાં ભારતભરમાં પાંચમા ક્રમે છે. સમગ્ર રાજ્યનું વર્ષ ર૦૧૮–૧૯નું ડાયરેકટ ટેકસ કલેકશન રૂપિયા ૪૯,૦ર૧ કરોડનું છે. ફાયનાન્શિયલ યર ર૦૧૯–ર૦ના આંકડા કોવિડ– ૧૯ને કારણે હજુ ઉપલબ્ધ નથી. સુરત આવકવેરા વિભાગે ર૦૧૮–૧૯માં રૂપિયા ૩૭૩૭ કરોડ ટેકસ કલેકશન પ્રાપ્ત કર્યો છે. ઇન્કમ ટેકસ રિફંડના ર૦૧૮–૧૯ના આંકડા પણ પ્રભાવક છે, કુલ રૂપિયા ૧૧પર કરોડનું રિફંડ પ્રાપ્ત થયું છે. વિવાદ સે વિશ્વાસ સ્કીમ અંતર્ગત તા. ૧૭ નવેમ્બર સુધી રૂપિયા ૩૧,૭૩૪ કરોડની વિવાદીત ટેકસ માંગ સાથે સંબંધિત કુલ ૪પ,૮પપ ડેકલેરેશન કરાયા છે. આથી એમ કહી શકાય કે આ સ્કીમને બહોળો પ્રતિસાદ મળી રહયો છે.
ગુજરાત રાજ્યના ઇન્કમ ટેકસ વિભાગના પ્રિન્સીપલ ચીફ કમિશનર અમિત જૈન (IRS)એ જણાવ્યું હતું કે, ઇન્કમ ટેકસ કમિશનર પાસે ર૧ હજાર જેટલી લિટીગેશન છે તેમાંથી ર૦ ટકા એટલે કે ૪૦૦૦ જેટલા કેસ વિવાદ સે વિશ્વાસ સ્કીમમાં ગયા છે. ગુજરાતમાં એવરેજ ર૦ ટકા કેસ છે. સુરત મોટું શહેર છે ત્યારે ૩૦થી ૪૦ ટકા કેસ વિવાદ સે વિશ્વાસ સ્કીમમાં જવાની અપેક્ષા હતી. તેમણે કરદાતાઓને ફોર્મ નં. ૧ અને ર ફાઇલ કરવા જણાવ્યું હતું. સાથે જ ફોર્મ નં. ૧ અને ર ભરતા સમયે કાળજી રાખવા માટે પણ કહયું હતું. કારણ કે ડિપાર્ટમેન્ટ તરફથી ફોર્મ નં. ૩ ઇશ્યુ થઇ ગયા બાદ ફોર્મ નં. ૧ અને ર માં સુધારા કરી શકાતા નથી. તેમણે કરદાતાઓને ફેસલેસ એસેસમેન્ટનો સમયસર ૧પ દિવસમાં જવાબ આપવા માટે અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિવાદ સે વિશ્વાસ સ્કીમ એ એમ્નેસ્ટી સ્કીમ નથી પણ પેન્ડીંગ કેસોના રિઝયુલેશન માટેની સ્કીમ છે. આથી તેમણે ટેકસ પ્રેકટીશનર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઉદ્યોગ સાહસિકોને આ સ્કીમનો લાભ લેવા તેમજ વિવિધ વિવાદના નિરાકરણ માટે આગળ આવવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહયું હતું કે, ઇન્કમ ટેકસ વિભાગ વિન્ડો ઓપન કરી રહી છે. જેમાં ઇશ્યુ, સૂચનો અને કવેરીઝ અપલોડ કરી શકાશે. તેમણે વધુમાં કહયું કે, સુરત શહેરમાં સુરત ડાયમંડ બુર્સ થોડા મહિનાઓમાં કાર્યરત થઇ જશે. બુલેટ ટ્રેન પણ સુરતથી પસાર થનાર છે ત્યારે સુરત એક દિવસ મુંબઇને પાછળ મુકી દેશે.
ચેમ્બર દ્વારા સેશન દરમ્યાન પ્રિન્સીપલ ચીફ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યા મુજબ, તા. ૩૧ જાન્યુઆરી ર૦ર૦ સુધીના કેસોને વિવાદ સે વિશ્વાસ સ્કીમ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે ત્યારે એની જગ્યાએ તા. ૩૧ માર્ચ ર૦ર૦ સુધીના કેસોને આ સ્કીમમાં આવરી લેવામાં આવે. આ સ્કીમ અંતર્ગત લાભ લેવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર ર૦ર૦ હતી, જેને લંબાવીને તારીખ ૩૧ માર્ચ ર૦ર૧ સુધી કરવામાં આવે તેવી રજૂઆત ચેમ્બર દ્વારા પ્રિન્સીપલ ચીફ કમિશનરને કરાઇ હતી. આ સ્કીમમાં રૂપિયા ભરવાની છેલ્લી તારીખ હાલ ૩૧ જાન્યુઆરી ર૦ર૧ છે તો તેને પણ લંબાવીને તારીખ ૩૧ માર્ચ ર૦ર૧ સુધી કરવામાં આવે તેવી પણ કરવામાં આવી હતી. ચેમ્બરની રજૂઆત વિશે પ્રિન્સીપલ ચીફ કમિશનર અમિત જૈને જણાવ્યું હતું કે, ચેમ્બરની રજૂઆતને ધ્યાનમાં લેવાઇ છે અને તેમના તરફથી ભારતના નાણાં મંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.
સુરત ઇન્કમ ટેકસ વિભાગ ૧ના કમિશનર અનુરાગ ગર્ગએ વિવાદ સે વિશ્વાસ સ્કીમનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સુરત ઇન્કમ ટેકસ વિભાગના ચીફ કમિશનર શ્યામ કુમારે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ વર્તમાન પરિસ્થિતિમાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ચેમ્બરની ભૂમિકા વિશે માહિતી આપી હતી. ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના ચેરમેન સીએ વિરેશ રૂદલાલે સુરત શહેરની માહિતી આપી હતી. ઇન્કમ ટેકસ કમિશનર સુશ્રી મીનુ ઓલા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રજ્ઞેશ જગાશેઠે સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.