સુરત

સુરત ખાતે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક અને વ્યાપારી સમૂહો સાથે સંવાદ કરતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

 સુરતનો હીરા ઉદ્યોગ આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ
 ભારત ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને વરેલો દેશ: દેશવાસીઓમાં ‘શેર એન્ડ કેર’ – પોતાની પાસે રહેલું વહેંચીને અન્ય કાળજી લેવાના સંસ્કારો રહેલા છે
 ગુજરાતીઓ કોઈ પર નિર્ભર નહિ, પરંતુ પોતાની જાતને આત્મનિર્ભર બનાવી કામ કરવામાં માને છે
 હેલ્થ સાથે હેપ્પીનેસ વ્યવસાયની સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે : ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિ હીરાના ઉદ્યોગપતિઓની સફળતાની ગાથાઓ સાંભળીને ખુબ પ્રભાવિત થયાં

સુુુુરત: ‘સુરતનો હીરા ઉદ્યોગ આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાતીઓ અન્ય પર અવલંબિત ન રહેતાં અલગ ચીલો ચાતરીને આગળ વધવાનો સ્વભાવ ધરાવે છે. ગુજરાતીઓ કોઈ પર નિર્ભર નહિ, પરંતુ પોતાની જાતને ‘આત્મનિર્ભર’ બનાવી કામ કરવામાં માને છે.’, એમ દેશના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટેનિયમ હોલ ખાતે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક અને વ્યાપારી સમૂહો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું.

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઉપરાષ્ટ્રપતિશ્રીએ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કર્યા હતાં. તેમણે ગુજરાતી ભાષામાં ‘આપ સૌને નમસ્કાર’ વાક્ય બોલતા આત્મીયતા સાધી હતી. તેમણે જણાવ્યું કે, દેશની ૬૫ ટકા વસ્તી ૩૫ વર્ષ સુધીની યુવા વય ધરાવે છે. દેશનું ભવિષ્ય યુવાનોના હાથોમાં છે. પ્રાચીનકાળમાં વિશ્વગુરૂની ઓળખ ધરાવતા ભારત દેશમાં એક સમયે નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા જેવી ઐતિહાસિક વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી, જેમાં સમગ્ર વિશ્વમાંથી યુવા છાત્રો વિદ્યાભ્યાસ માટે આવતાં હતાં. વિદેશી આક્રાંતાઓએ દેશની શિક્ષણ, સાંસ્કૃતિક વિરાસતો પર આક્રમણ કરીને દેશની ગરિમાને ઝાંખી પાડવાના અનેક પ્રયાસો કર્યા એમ જણાવી તેમણે દેશના ગૌરવપૂર્ણ ઈતિહાસને અથાગ પરિશ્રમથી પુન: દોહરાવવા આહ્વાન કર્યું હતું.

Vice President Venkaiah Naidu interacting with industrial and business groups of South Gujarat at Surat

વ્યાપારમાં નીતિગત મૂલ્યોનું પાલન જરૂરી છે એવો મત વ્યકત કરતાં ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું કે, ભારત ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને વરેલો દેશ છે. અહીં ‘શેર એન્ડ કેર’ – પોતાની પાસે રહેલું વહેંચીને અન્યની કાળજી લેતી પરમાર્થી પ્રજા વસે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ (કામને સુધારો, સારું કામ કરો અને પરિવર્તન લાવો) મંત્રને આત્મસાત કરી ઉદ્યોગકારો વિકાસની ઉંચાઈઓને આંબી શકે છે. ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિઓ સફળ થવાનું કારણ તેની સમાજના બહોળા વર્ગ સુધી આસાન પહોંચ છે એમ પણ તેમણે કહ્યું હતું.

શ્રી નાયડુએ સુદ્રઢ સ્વાસ્થ્ય એ સફળતાનો પાયો હોવાનું જણાવી સૌને ફિટ રહેવા માટે નિયમિત યોગ, વ્યાયામ કરવાંનો અનુરોધ કર્યો હતો. આ સંદર્ભે તેમણે કહ્યું કે, સશકત-ખડતલ બનશો તો માનસિક રીતે વધુ એલર્ટ બનશો. ‘હેલ્થ ઈઝ વેલ્થ’- સ્વાસ્થ્ય જ આપણી સાચી મૂડી છે. હેલ્થ સાથે હેપ્પીનેસ પણ વ્યવસાયની સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આધુનિક કહેવાય એવા અમેરિકા અને યુરોપિયન દેશોને કોરોનાએ હચમચાવી નાંખ્યા, જેની સરખામણીમાં કોરોના સામે ભારતના નાગરિકો અને પ્રશાસને સહિયારા પ્રયાસો કરી કોરોના સામે મક્કમતાથી મુકાબલો કર્યો છે. કોરોના મહામારી બાદ ખાનગી અને સરકારી ક્ષેત્ર સાથે મળીને કામ કરે તે જરૂરી છે, જેથી દેશની વિકાસની ગતિ ધીમી ન પડે. કોરોનાકાળ દરમિયાન કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં ૪% નો વધારો થયો જે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે. કોરોના મહામારીમાં પણ કૃષિક્ષેત્ર ધબકતું રહ્યું એ દેશ માટે ગૌરવની ઘટના છે એમ તેમણે ઉમેર્યું હતું.

વૈંકેયા નાયડુએ વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગોમાં ગુજરાતીઓ અને ખાસ કરીને મહિલા ઉદ્યોગકારો પણ સિદ્ધીના શિખરો સર કરી રહી છે. યુવાનોએ સ્ટાર્ટ અપના માધ્યમથી દેશના વિકાસની સાથે લાખો યુવાનોને રોજગારી આપવામાં યોગદાન આપ્યું છે. સુરત આવીને હીરાના ઉદ્યોગપતિઓની સફળતાની ગાથાઓ સાંભળીને ખુબ પ્રભાવિત થયાં હોવાનું પણ ગૌરવથી જણાવ્યું હતું.
આ પ્રસંગે ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક ક્ષેત્રમાં સુરત વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી યોગ્ય રહેવાલાયક શહેર તરીકે પ્રસ્થાપિત થયું છે. વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સાકાર કરવામાં સુરતે અનેરૂ યોગદાન આપી રહ્યું છે. દેશના અધિઘોષિત થયેલા સાત ટેક્ષટાઈલ પાર્કમાંથી એક સુરતને પ્રાપ્ત થાય એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

વરાછા કો.ઓપરેટિવ બેંકના ચેરમેનશ્રી કાનજીભાઇ ભાલાળાએ સહકારી ક્ષેત્ર અને સહકારી બેંકોની યશગાથા વર્ણવી કહ્યું કે, સહકાર શબ્દમાં લાગણી સમાયેલી છે, સહકારી ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતની ઝલક જોવા મળે છે. સહકારી બેંકોએ રાજ્ય સરકારની આત્મનિર્ભર સહાય યોજના હેઠળ કોરોનાકાળમાં નાના ઉદ્યમીઓને કરોડો રૂપિયાની રાહતદરે લોન સહાય આપી તેમને બેઠા કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

Vice President Venkaiah Naidu interacting with industrial and business groups of South Gujarat at Surat

અગ્રણી ઉદ્યોગપતિશ્રી સેવંતીભાઈ શાહે પ્રાસંગિક ઉદબોધન કરી દેશના ઔદ્યોગિક વિકાસમાં સુરતના યોગદાન અંગે તલસ્પર્શી વિગતો આપી હતી. તેમણે સુરતના ડાયમંડ ઉદ્યોગપતિઓએ શૂન્યથી શિખર સુધીની વિકાસયાત્રા વર્ણવી હતી.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના શ્રી કમલેશ યાજ્ઞિકે શહેરના શિક્ષણક્ષેત્રની ઝલક અને શિક્ષણના વર્તમાન તાસીર અંગે વિસ્તૃત વિગતો આપી હતી.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઈશ્વર ભાઈ પરમાર, સાંસદ સર્વ શ્રી સી.આર.પાટીલ, દર્શનાબેન જરદોશ, જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, પોલીસ કમિશનર અજય તોમર, ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતી, ચેમ્બરના ખજાનચીશ્રી મનીષ કાપડિયા સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button