સુરત

‘ઉમ્મીદ ર૦ર૧’ વિષય ઉપર સંજય રાવલ સાથે ફેસ ટુ ફેસનું આયોજન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેલિડોસ્કોપ સિરીઝની પ્રથમ કેડીના ભાગ રૂપે આજ રોજ ‘ઉમ્મીદ ર૦ર૧’ વિષય ઉપર સંજય રાવલ સાથે ફેસ ટુ ફેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે લોકોને જીવનની હકીકતોથી વાકેફ કર્યા હતા અને ફેસ ટુ ફેસ લોકોને મૂંઝવતા સવાલોના પ્રેરક જવાબો પણ આપ્યા હતા.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની વિષમ પરિસ્થિતિમાં લોકોનું મનોબળ મજબૂત બને તે માટે ચેમ્બર દ્વારા કેલિડોસ્કોપ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત પ્રેરક વકતાઓને બોલાવીને લોકોને જીવનમાં સફળ થવા અને આગળ વધવા માટે પ્રેરિત કરવામાં આવશે.

વકતા સંજય રાવલે જણાવ્યું હતું કે, આપણને જન્મતાની સાથે જ સમાજે આટલી બધી લાકડીઓ આપી દીધી છે કે તેના ટેકા વગર જીવવાનું આપણે વિચારી જ નથી શકતા. આપણે ભિક્ષુક બનવાની અને ટેકો લેવાની આદત છોડવી પડશે. એક વાત ધ્યાનમાં રાખજો કે તમારી જાત સિવાય તમને કોઇ જ સફળ કરી શકે નહીં. સરળતાના દિવસો ગયા, સફળ થવા માટે સખત મહેનત કરવી પડશે. આજના યુગમાં ૧પ કલાક મહેનત નહીં કરશો તો સફળ નહીં થશો. ભારતમાં જન્મ મળવો એ લોટરી છે. ભગવાને તમને સૌથી શ્રેષ્ઠ શ્રેણીમાં જન્મ આપ્યો છે. લોકોને જીવન જીવવાની સમજ નથી. લોકો બસ પૈસા અને સેકસ બે જ વસ્તુઓમાં પડયા છે. લોકોને જીવનનો અસલી નશો ચઢતો નથી એટલે નકલી નશો કરે છે.

તેમણે કહયું કે, ડર એ અજ્ઞાનતા છે. લોકો શું કહેશે તે વિચારીને જીવશો નહીં. જીવનશૈલી બદલવી પડશે. બધાને સાથે લઇને ચાલવું પડશે. જીવનમાં જે પણ કરો એ બેસ્ટ કરો, પરંતુ બીજાને બતાવવા માટે કશું ના કરો. બીજાને બતાવવા માટે તમે જે કરો છો એ પાપ છે અને પોતાને બતાવવા માટે કરો એ જ પુણ્ય છે. બધાથી જુદું જીવો. ખુલીને જીવો અને હસતા રહો. નવા વર્ષમાં કઇ સારું કરવા માગો છો તો રોજ એક માણસને નાનકડી મદદ કરજો. પૈસા અને જીવનસાથી માટે પણ ખોટું કરશો નહીં. બધા કરે એવું તમે કરશો નહીં. તન અને મન સારા રહેશે તો ધન આપોઆપ આવશે. તેમણે કહયું કે, આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પ્રાર્થના એવી કરવાની કે આંખો આપોઆપ જ બંધ થઇ જાય.

ઉમ્મીદ– ર૦ર૧ વિશે બોલતા તેમણે કહયું કે, ‘ઉમ્મીદ એટલે એકસેપ્ટન્સ’ જીવનમાં જે થાય છે તેને સ્વીકારો. ભગવાન મર્દની મૈયતમાં જાય છે પણ બાઇલાની જાનમાં નહીં જાય. તમે જે ધ્યેયને પામવા માંગો છો એના માટે પાત્રતા કેળવો. આપણને સવાલો થતા નથી એટલે જવાબો મળતા નથી. જે દિવસે ખરી જિંદગી શું છે? એવો સવાલ થાય અને તેનો જવાબ મળી જાય તો મજા આવી જાય. આવતીકાલ અને ગઇકાલના ચકકરમાં નહીં પડો, સમય ઘણો ઓછો છે એટલે વર્તમાનમાં જીવન જીવી લો. કારણ કે, ઉમ્મીદ પર જીવન છે અને ઉમ્મીદ એની પૂરી થાય છે જેની ઉમ્મીદમાં બીજાઓની ઉમ્મીદ જોડાયેલી રહે છે. જો ઉમ્મીદ પુરી ન થાય તો એનાલિસિસ કરવું.

સંજય રાવલે જણાવ્યું કે, જીવનનો કોઇ સિલેબસ નથી. ભગવાન દર ૧૦૦ વર્ષે આપણને સમજાવવા માટે વાયરસ મોકલે છે પણ આપણે સમજતા નથી. કોરોનાએ શીખવ્યું કે થોભો નહીં તો થાકી જશો. પરિવારજનો સાથે રહેવાની અને જીવન શું છે તે દિશામાં વિચારતા કરવાની કળા કોરોનાએ શીખવી છે. મનુષ્ય જન્મ જ સફળતાનો પર્યાય છે. ઇશ્વરમાં અતૂટ વિશ્વાસ રાખો અને જીવનમાં જે કંઇપણ થાય છે તેને સ્વીકારવાનું રાખો. સંયુકત કુટુંબમાં રહો. સંસ્કાર હશે તો પૈસો આપોઆપ આવશે જ.

વધુમાં તેમણે કહયું કે, સરકાર દ્વારા શિક્ષણ પદ્ધતિમાં સુધાર લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહયા છે. ગીતા, કુરાન અને બાયબલને અભ્યાસક્રમમાં લાવવાની જરૂર છે. આત્મનિર્ભર થવા માટે પણ આપણે પ્રયાસ કરી રહયા છે. જો કે, યુવા પેઢીને તેમના ફેમિલી બિઝનેસને નવા ફોર્મેટમાં લઇ જવો પડશે. જે બિઝનેસ કરવો છે એનો પહેલા અનુભવ લેશો તો એ બિઝનેસમાં સફળતાની શકયતા વધી જાય છે તેમ કહીને તેમણે ઉદ્યોગ સાહસિકોને પ્રેરણા આપી હતી.

પોતાના સ્વપ્ન વિશે તેમણે કહયું કે, ગુજરાત રાજ્યમાં ૩૩ એવી સ્કૂલો બનાવવા માંગુ છું કે જેમાં પ૦ ટકા કરતા ઓછા માર્ક લાવનારા વિદ્યાર્થીઓને એડમીશન આપીશ અને તેઓને એ રીતે સ્કીલ્ડ કરીશ કે વિશ્વમાં ગમે ત્યાં તેઓ જશે તો જ્યાં તેઓ ઉભા રહેશે લાઇન ત્યાંથી શરૂ થશે. આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પાયાની વાત સમજાવવામાં આવશે. આ દુનિયામાં ઇશ્વરીય શકિત છે પણ તેની સાથે સાથે આપણા માતા–પિતા જ ખરા ઇશ્વર છે તેની તથા પોતપોતાના ધર્મને સમજવાની સમજણ આપવામાં આવશે.

ચેમ્બરની કેલિડોસ્કોપ સિરીઝના કો–ઓર્ડીનેટર નિકેત શાસ્ત્રીએ સમગ્ર સેમિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના માનદ્‌ મંત્રી ખિલ મદ્રાસીએ વકતા સંજય રાવલનો પરિચય આપ્યો હતો. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button