દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ‘મેગા જોબ ફેર’ના આયોજન સંદર્ભે શિક્ષણ અગ્રસચિવ અંજુ શર્માના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
‘‘આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે સમન્વય’’
વિષય પર યોજાયેલી બેઠકમાં મોટા પાયે રોજગારીના સર્જન માટે મંથન
રાજ્ય સરકાર ઉદ્યોગો અને શિક્ષણ સંસ્થાનો વચ્ચે ‘ટેલેન્ટપુલ’ બની છે: શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્મા
સૂરતઃ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી દિવસોમાં તબક્કાવાર યોજાનાર ‘મેગા જોબ ફેર’ના આયોજન સંદર્ભે રાજ્યના શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી અંજુ શર્માના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે ‘‘આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે સમન્વય’’ (‘ઇન્ડસ્ટ્રી એકેડેમીયા કોલાબ્રેશન ફોર આત્મનિર્ભર ભારત)’ વિષય પર બેઠક યોજાઈ હતી. ‘મેગા જોબ પ્લેસમેન્ટ ફેર’ ઉદ્યોગગૃહો, વ્યાપારિક સંસ્થાનો માટે કુશળ મેનપાવર મેળવી શકે અને યુવાધન યોગ્ય રોજગારીનો અવસર મેળવી શકે એ માટે બેઠકમાં વિચાર મંથન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત બેઠકમાં અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ જણાવ્યું હતું કે, આપણા કુટિર ઉદ્યોગો, ગૃહદ્યોગો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો દેશના કરોડો લોકોની આજીવિકાનું સાધન છે, જે આત્મનિર્ભર ભારતના સંકલ્પનો મજબૂત આધાર છે. વિશ્વના જે દેશોમાં મજબૂત અર્થવ્યવસ્થા છે ત્યાં શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સાથે મજબૂત સંકલન કરવામાં આવે છે.
શ્રીમતી શર્માએ આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ્ય અંગે જણાવ્યું કે, કોરોના મહામારી દરમિયાન સમગ્ર ભારતના શ્રમિકોના કલ્યાણ અને યુવાનોની રોજગારી સર્જન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અભૂતપૂર્વ પગલાં લીધા છે. રાજ્ય સરકાર ઉદ્યોગો અને શિક્ષણ સંસ્થાનો વચ્ચે ‘ટેલેન્ટપુલ’ બની છે. સરકારી એન્જિનીયરીંગ કોલેજ, ઉચ્ચશિક્ષણ આપતી કોલેજો, પોલીટેકનિક કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઇન્ડસ્ટ્રીઝમાં રોજગારીના સુવર્ણ અવસર મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે આગામી દિવસોમાં શરૂ કરવામાં આવનાર અત્યાધુનિક જોબ પોર્ટલ દ્વારા ઇન્ડસ્ટ્રીઝને ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી મનપસંદ સ્ટાફ પસંદ કરવા માટે મોટી સંખ્યામાં વિકલ્પો મળશે એમ તેમણે જણાવ્યું હતું.
ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી એમ. નાગરાજને જણાવ્યું હતું કે, યુવાઓની પ્રગતિ જ દેશની પ્રગતિ છે. ઇન્ડસ્ટ્રી અને વિદ્યાર્થીઓને પરસ્પર જોડાવવા માટે પોર્ટલ એક મહત્વનું સાધન છે. ગત ત્રણ વર્ષથી જોબ ફેર અને પ્લેસમેન્ટના સુવ્યવસ્થિત આયોજનથી દક્ષિણ ગુજરાતના યુવાનોની રોજગારીમાં વધારો થયો છે.
ટેકનિકલ શિક્ષણના નિયામકશ્રી જી.ટી.પંડ્યા જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ એટલે માત્ર ટેક્નીકલ વ્યક્તિઓ- એન્જિનીયર, આઈ.ટી. એક્સપર્ટસનું જ નિર્માણ નહિ, પણ જ્ઞાનસભર વ્યકતિત્વનું નિર્માણ છે. રોજગારી માટેના નવા પોર્ટલ ઉપર સાઉથ ગુજરાત ઝોનમાંથી રજિસ્ટર થયેલી કંપનીઓને એક જ પ્લેટફોર્મ પરથી ઉચ્ચ શિક્ષિત, મેડિકલ સ્ટાફ, સુપરવાઈઝર સ્ટાફ, એન્જિનીયર અથવા આઈ.ટી.ના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધરાવતા વિદ્યાર્થીઓ મળશે. એક જ પોર્ટલ પર દરેક કંપનીને વિવિધ વિકલ્પ આપવામાં આવ્યા છે. તમામ ઇન્ડસ્ટ્રીને એક જ પ્લેટફોર્મ પર એકત્રિત થાય તે માટેની તમામ માહિતી પોર્ટલ ઉપર રાખવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતી સહિત નર્મદ યુનિ.ના રજીસ્ટ્રાર ધડુક, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.