ચેમ્બર દ્વારા સરસાણા ખાતે પ્લેટીનમ હોલમાં એચ.આર. ૪.૦ ઉપર પાંચમી રાષ્ટ્રીય કક્ષાની એચ.આર. કોન્કલેવ– ર૦ર૧ યોજાઇ
- ભારત એ ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટ–અપ, એકેડેમિયા અને પબ્લીક સેકટરના સંકલનથી વિશ્વમાં અગ્રીમ સ્થાને પહોંચી શકશે : સુરક્ષા સચિવ ડો. અજય કુમાર
- આઇટીમાં હયુમન રિસોર્સનું ડેવલપમેન્ટ થયું છે, જેને કારણે ભારત આઇટી આઉટ સોર્સિંગ ડેસ્ટીનેશન બન્યું છે તેમાં એચ.આર.ની ભૂમિકા મહત્વની રહી છે
- ગુજરાતમાં રશિયન કંપનીઓ સાથે સ્પેર કોમ્પોનન્ટ બનાવી શકાય છે અને આ બધું સુરતના ઉદ્યોગકારો કરી શકશે, ડિફેન્સ ઇન્ડસ્ટ્રીની સપ્લાય ચેઇન માટે ગુજરાતમાં ઘણી તકો છે ત્યારે આ દિશામાં પ્રયાસ કરવા ચેમ્બરને ડિફેન્સ સેક્રેટરીએ અનુરોધ કર્યો
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ર૮ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સવારે ૮ઃ૩૦ થી સાંજે પઃ૩૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં એચ.આર. ૪.૦ ઉપર પાંચમી ‘નેશનલ એચ.આર. કોન્કલેવ– ર૦ર૧’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ભારતના સુરક્ષા સચિવ ડો. અજય કુમારે ડિફેન્સ ઇન્ડસ્ટ્રી વિશે સુરતના ઉદ્યોગકારોનું ધ્યાન ખેંચી પોતાનું મહત્વનું વકતવ્ય રજૂ કર્યુ હતું.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સર્વેને આવકારી આઇએમએફના મહત્વપૂર્ણ અવલોકન વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, શ્રમ સંસાધનનો ઉપયોગ કરવા માટે યોગ્ય વ્યૂહરચના એટલે કે માનવ મૂડી આપણા સમાજની ભાવિ આર્થિક વૃદ્ધિ અને સુખાકારી નક્કી કરશે. ઉત્પાદકતામાં સુધારો કરવા માટે ભારત સરકારે વિવિધ કૌશલ્ય વિકાસ યોજનાઓ શરૂ કરી છે. હવે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે સરકાર દ્વારા કાર્યરત આ કિંમતી નાણાંકીય મૂડીનો માનવશક્તિમાં જરૂરી કૌશલ્યો વિકસાવવા માટે શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવામાં આવે. આ નિષ્ણાંત માનવ સંસાધન વ્યાવસાયિકો દેશની માનવ સંસાધન મૂડી દ્વારા મોટા યોગદાનને સુનિશ્ચિત કરવા માટે નવા કાર્યક્રમો ડિઝાઇન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, થોડા વર્ષો પહેલા, ભારત માત્ર સંરક્ષણ ઉત્પાદનો અને તકનીકોનો આયાતકાર હતો. પરંતુ ભારતના સંરક્ષણ પ્રધાન દ્વારા આપવામાં આવેલો તાજેતરનો અહેવાલ આત્મનિર્ભરતાની વાત કરે છે. ભારત, હવે વિશ્વના લગભગ ૬પ જેટલા દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહયું છે. તેમણે કહયું કે, વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે, ભારતમાં એચ.આર. ક્ષેત્રમાં જે થાય છે તે આવનારા વર્ષો માટે આંતરરાષ્ટ્રીય મિસાલ સ્થાપિત કરી શકે છે. ભારતમાં એચ.આર.નો ખ્યાલ ભારતની અર્થવ્યવસ્થાના કૃષિમાંથી મેન્યુફેક્ચરિંગ લીડ અને પછી સર્વિસીઝ તરફના આર્થિક વિકાસ તરફના સંક્રમણ સાથે વિકસિત થઈ રહયો છે.
ભારતના સુરક્ષા સચિવ ડો. અજય કુમાર (આઇ.એ.એસ.)એ જણાવ્યું હતું કે, આઇટી ઇન્ડસ્ટ્રીમાં ભારતે નામના મેળવી છે અને આઇટીમાં હયુમન રિસોર્સનું ડેવલપમેન્ટ થયું છે. જેને કારણે આઇટી આઉટ સોર્સિંગ ડેસ્ટીનેશન બન્યું છે તેમાં એચ.આર.ની ભૂમિકા મહત્વની રહી છે. જો કે, હવે ભારતની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી પણ વિશ્વના ટોપ રપ એકસપોર્ટરમાં સામેલ થઇ ગઇ છે. સુરતને બિઝનેસ કરતા આવડે છે. આથી હવે સુરતની ઇન્ડસ્ટ્રીને ડિફેન્સ તરફ વાળવાની છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ડિફેન્સ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરવાની મોટી તક ઉભી થઇ છે અને સુરતના ઉદ્યોગકારો તેનો લાભ લઇ શકે છે.
હાલ વિશ્વમાં ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને કન્ટ્રોલ કરનારા પાંચથી છ દેશો છે. ભારત સરકાર દ્વારા હવે સ્પેસ અને ડ્રોમ સેકટર બાદ હવે ડિફેન્સ સેકટરને પણ ઓપન કરી દેવામાં આવ્યા છે, ત્યારે સુરતના ઉદ્યોગકારો ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં આવશે તો સુરક્ષાની દૃષ્ટિએ મોટા ભાગનો હિસ્સો કેપ્ચર કરવાની તક છે. દેશની આવશ્યકતાની સાથે ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટ–અપ, એકેડેમિયા અને પબ્લીક સેકટરના સંકલનથી વિશ્વમાં અગ્રીમ સ્થાને પહોંચી શકીશું.
ડિફેન્સમાં પહેલા જે કામ કરવા માટે આઠથી દસ વર્ષ લાગતા હતા તેને આજના સ્ટાર્ટ–અપ માત્ર આઠથી દસ મહિનામાં પૂર્ણ કરી દે છે. યુવાઓએ હયુમન રિસોર્સના આસ્પેકટ સમજવાનો છે અને તેને કઇ રીતે આગળ લઇ શકાય તે દિશામાં વિચારવાનું છે. ગુજરાતમાં રશિયન કંપનીઓ સાથે સ્પેર કોમ્પોનન્ટ બનાવી શકાય છે અને આ બધું સુરતના ઉદ્યોગકારો કરી શકશે. ગુજરાતમાં બનશે તો દુનિયાની માર્કેટ પણ ઉપલબ્ધ રહેશે. ડિફેન્સ ઇન્ડસ્ટ્રીની સપ્લાય ચેઇન માટે ગુજરાતમાં ઘણી તકો છે ત્યારે તેમણે આ દિશામાં પ્રયાસ કરવા માટે ચેમ્બરને અનુરોધ કર્યો હતો.
લાર્સન એન્ડ ટુબ્રોના સિનિયર એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડેન્ટ – ડિફેન્સ એન્ડ સ્માર્ટ ટેકનોલોજી જયંત પાટીલે ‘એચ.આર. એ એજન્ડા ન હોવો જોઇએ, તે એજન્ડા છે’વિષય ઉપર પોતાનું વકતવ્ય રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મોટીવેશનલ હવે બદલાયું છે. તમને વધારે જોઇતું હશે તો વધારે મળશે. હવે પર્ફોમન્સ માટે કોઇ મર્યાદા રહી નથી. એચ.આર.માં પણ સુપરવાઇઝ કરવાનું છે કે કયા લીડર બિઝનેસને ઊંચાઇ સુધી લઇ જશે. કોઇપણ બિઝનેસ અથવા સંસ્થાને આગળ લઇ જવા માટે લીડરની જરૂર પડે છે.
આઇ.આઇ.એમ.– અમદાવાદના પ્રોફેસર બીજુ વરકી ‘એચ.આર.એમ.ના ભાવિ મોડલ’ વિષય ઉપર વકતવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પોતાની જાતને રિમેઇન્ટેન કરતા રહો. ભૂલોમાંથી જ શીખાય છે પણ એક તબકકા પછી ભૂલો જતી બંધ થઇ જાય છે. એચ.આર. હેડ લોકો પાસેથી પણ શીખવા માટે ઉત્સુક હોય છે. એચ.આર.ની સાથે સંકળાયેલા તમામે હવે જોબ ડિસ્ટ્રીબ્યુશન નહીં પણ વર્ક ડિઝાઇન કરવાનું છે.
અમેરિકાથી ખાસ વકતા તરીકે પધારેલા ગકનખહ ૬ નખહી – વોશિંગ્ટન ડીસીના પૂર્વ અધ્યક્ષ અને સીઇઓ મહેશ રામાનુજમે પર્યાવરણ, સસ્ટેનેબિલિટી એન્ડ ગવર્નન્સ પાર્ટનર તરીકે એચ.આર.ની ભૂમિકા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તદુપરાંત આર્સેલર ગૃપના એચ.આર. વાઇસ પ્રેસિડેન્ટ અનિલ મટ્ટુએ વ્યુવહાત્મક એચ.આર. પહેલના મહત્વ વિશે સમજણ આપી હતી. સાથે જ બ્રેઇન ચેકર ઇન્ડિયાના પ્રેસિડેન્ટ એન્ડ કો–ફાઉન્ડર ડો. અશ્વિન રાજે ‘કોર્પોરેટ એસેસમેન્ટના મહત્વ’ વિશે વકતવ્ય રજૂ કર્યું હતું.
એચ.આર. ૪.૦ વિષય ઉપર એક રસપ્રદ પેનલ ડિસ્કશન યોજાઇ હતી. જેમાં એચ.એલ.ઇ. ગ્લાસકોટના ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસર અમિત કાલરા, શ્રીરામકૃષ્ણ એકસપોર્ટર્સના સીએચસીઓ ડો. નિરવ મંડીર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એવીપી–એચઆર રાજેશ શાહ અને ગોલ્ડસ્ટાર જ્વેલરીના સ્ટ્રેટેજીક એચઆરના વાઇસ પ્રેસિડેન્ટ ડો. સૌમ્યા બડગાયન પેનલીસ્ટ તરીકે ભાગ લીધો હતો.
સાંપ્રત સમયમાં ૪.૦ જ્યારે મશીન્સ, ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન જેવાં વિષયોના અમલીકરણમાં અગત્યની ભૂમિકા ભજવે છે ત્યારે ૪.૦ ની એચ.આર. અસરકારકતા વિશે વિશેષ છણાવટ કરવામાં આવી હતી. પેનલ ડિસ્કશનને ચેમ્બરની એચઆર એન્ડ ટ્રેનીંગ કમિટીના ચેરમેન તેમજ જાણીતા મોટીવેટર મૃણાલ શુકલએ મોડરેટ કરી હતી.
ચેમ્બરના માનદ્ મંત્રી દીપક કુમાર શેઠવાલા, માનદ્ ખજાનચી પરેશ લાઠીયા, ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગી અને ગિરધરગોપાલ મુંદડા તથા ચેમ્બરની એચ.આર. એન્ડ ટ્રેનિંગ કમિટીના કો–ચેરમેન ડો. વિજય રાદડીયા, ઇશ્વર પટેલ અને સંજય ગજીવાલાએ વકતાશ્રીઓનો પરિચય આપ્યો હતો. એચ.આર. એન્ડ ટ્રેનિંગ કમિટીના કો–ચેરમેન ચિરાગ દેસાઇ અને સભ્ય નીશા આનંદે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની કોન્કલેવનું સમાપન કર્યું હતું.