નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સુરતના ઉધના ખાતે રૂ.૧૧.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ
૪૦ એમ.વિ.એ કેપેસિટી સાથે નિર્મિત આ સબસ્ટેશનના કારણે ૨૨૧૪ ઔદ્યોગિક અને ૫૦૦૦ રહેણાંક તથા વાણિજ્ય મળી કુલ ૭૨૧૪ ગ્રાહકોને લાભ થશે
સુરતઃ નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.(GETCO) દ્વારા રૂ.૧૧.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કેવી લક્ષ્મીનારાયણ સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ બાંધકામ ખર્ચ રૂ.૧.૫૫ કરોડ, તાંત્રિક સાધનોના ખર્ચ રૂ.૫ કરોડ તેમજ અંડર ગ્રાઉન્ડ કેબલનો ખર્ચ રૂ.૫.૬૬ કરોડ મળી કુલ રૂ.૧૧.૪૫ કરોડના ખર્ચે સબસ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે હેતુથી દક્ષિણ ગુજરાત વીજ કંપની નવી માળખાગત સુવિધાઓ તેમજ જરૂરી નવા પ્રોજેક્ટ્સ તૈયાર કરી રહી છે. શહેરના વિકાસલક્ષી સુવિધાઓના ભાગરૂપે શહેરીજનોની વીજમાંગને સંતોષવાના ભાગરૂપે નવનિર્મિત ૬૬ કેવી લક્ષ્મીનારાયણ સબસ્ટેશનની કુલ કેપેસીટી ૪૦ એમ.વિ.એ છે. જેનો લાભ અંદાજિત ૨૨૧૪ ઔદ્યોગિક અને ૫,૦૦૦ રહેણાંક તથા વાણિજ્ય મળી કુલ ૭૨૧૪ ગ્રાહકોને મળશે.
GETCO ના ચીફ એન્જિનીયરશ્રી કે.આર. સોલંકીએ જણાવ્યું હતું કે, ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ઉજવણીના ભાગરૂપે તા.૨ ઓક્ટોબરથી ‘૧૦૦ દિવસ-૧૦૦ લક્ષ્યાંક’ ની ખાસ પહેલથી ગ્રામ્ય વિસ્તારમાં બાકી રહેલા છૂટાછવાયા રહેણાંકમાં કુલ ૧૪૦૦ વીજ જોડાણનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, જેની સામે કુલ ૧૪૮૪ વીજજોડાણનું લક્ષ્યાંક હાંસલ કરાયું છે. આ સાથે ખેતીવિષયક વીજ જોડાણમાં કુલ ૩૩૦૦ વીજ જોડાણના લક્ષ્યાંક સામે કુલ ૩૪૬૬ વીજ જોડાણનું લક્ષ્યાંક સિદ્ધ કરાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી સી.આર.પાટીલ, કૃષિ,ઊર્જારાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, DGVCLના ચીફ એન્જિનનિયર રીટાબેન પરિરા, છોટુભાઈ પાટીલ, દામોદરભાઈ ડી. પટેલ, DGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ, ઉદ્યોગકારો, કોર્પોરેટરો તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.