સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

લેઉવા પટેલ સમાજના રત્નકલાકાર બ્રેઈનડેડ મનસુખભાઈ ઝીણાભાઈ કાથરોટીયાના પરિવારે તેમના ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી

લેઉવા પટેલ સમાજના રત્નકલાકાર બ્રેઈનડેડ મનસુખભાઈ ઝીણાભાઈ કાથરોટીયાના પરિવારે તેમના ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

સુરતથી ચેન્નાઈનું ૧૬૧૦ કિ.મીનું અંતર ૧૬૦ મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી ૫૧ વર્ષીય મહિલામાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં કરવામાં આવ્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ૫૪ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું.

મનસુખભાઈને સોમવાર, તા.૨ ઓગસ્ટના રોજ સાંજે ૮:૩૦ કલાકે બ્રેઈનસ્ટ્રોકનો હુમલો આવતા પરિવારજનોએ તેમને તાત્કાલિક કામરેજમાં આવેલ સ્ટાર હોસ્પિટલમાં દાખલ કર્યા. નિદાન માટે સીટી સ્કેન અને MRI કરાવતા લકવાનો હુમલો થયો હોવાનું નિદાન થયું હતું. ત્યાંથી વધુ સારવાર માટે તા.૦૪ ઓગસ્ટના રોજ વિનસ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.રાકેશ ભારોડીયાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. સારવાર દરમિયાન ખેંચ આવતા નિદાન માટે સીટી સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

શુક્રવાર, ૬ ઓગસ્ટના રોજ ડોક્ટરોએ મનસુખભાઈને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે મનસુખભાઈના પત્ની રીટાબેન તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો.

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજના સલામ છે…વંદન છે…સ્વ. મનસુખભાઈ ઝીણાભાઈ કાથરોટીયા તેમની પત્ની અને સમગ્ર પરિવારને તેમના આ નિર્ણય બદલ.

SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ને ફાળવવામાં આવી. જયારે NOTTO દ્વારા ફેફસા ચેન્નઈની MGM હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.

દાનમાં મેળવવામાં આવેલા ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી ૫૧ વર્ષીય મહિલામાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ૫૪ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC માં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ. વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે જયારે દાનમાં મેળવવામાં આવેલી કિડનીમાં લોહીના ગઠ્ઠા જમા થઇ ગયા હોવાને કારણે બંને કિડની ખરાબ થઇ ગઈ હતી., તેને કારણે કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નહોતું.

ફેફસાં, કિડની અને લિવર સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા, જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોવીડ ૧૯ ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૩૬ કિડની, ૨૦ લિવર, ૮ હૃદય, ૧૨ ફેફસાં, ૧ પેન્ક્રીઆસ અને ૩૪ ચક્ષુઓ સહીત કુલ ૧૧૧ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ ૧૦૨ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૯૬ કિડની, ૧૬૫ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૪ હૃદય, ૧૬ ફેફસાં અને ૨૯૮ ચક્ષુઓ કુલ ૯૧૫ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૪૦ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

અંગદાન…જીવનદાન…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button