કોરોનાકાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકો સાથે મેયર સહિતના પદાધિકારીઓએ ભોજન લીધું
મેયર હેમાલીબહેન કોરોના મહામારીમાં માતા ગુમાવનારી અમરોલીની કેન્વિશા પરમારની આરોગ્ય અને અભ્યાસની તમામ જવાબદારીઓમાં મદદરૂપ થશે
સુરતઃ કોરોનાકાળમાં અનેક પરિવારોનો માળો વિખાયો છે. અનેક પરિવારોએ પોતાના માતા-પિતા, ભાઈ-બહેનો કે અન્ય સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે રાજય સરકારે માતા-પિતા ગુમાવનારા બાળકોની પડખે રહીને સધિયારો આપ્યો છે. આવા બાળકોને મુખ્યમંત્રી બાળસેવા યોજના હેઠળ ૨૧ વર્ષ સુધી મહિને રૂા.૪૦૦૦ની સહાય કરીને સાચી સંવેદનશીલતા દર્શન કરાવ્યા છે. આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના પાંચ વર્ષની પૂર્ણ થવાના અવસરે આયોજીત સંવેદના દિવસે મેયરશ્રી હેમાલીબેન બોધાવાલા તથા અન્ય પદાધિકારીઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા સુરત શહેરના ૪૫ બાળકો સાથે ભોજન લઈને સંવેદનશીલતા દર્શાવી હતી.
અમરોલી વિસ્તારમાં રહેતા પરમાર પરિવારની ૧૦ વર્ષીય દીકરી કેન્વીશાએ કોરોનાથી માતાનું છત્ર ગુમાવ્યું. જયારે પિતાનું સાડાત્રણ વર્ષ અગાઉ કેન્સરના કારણે મૃત્યૃ થયું હતું. કેન્વીશા હાલ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. આજે જયારે મેયરશ્રીએ કેન્વીશા સાથે ભોજન લેતા સહર્ષ પુછયુ કે, તારે શું બનવું છે ત્યારે કેન્વીશાએ ખુશી સાથે મારે તો કલેકટર બનવું છે તેમ જણાવ્યું. જેથી દીકરીની દઢ ઈચ્છા અને આંખોમાં અમાપ સપનાઓને જોઈને મેયરે તત્કાલ નિર્ણય કરીને દીકરીના આરોગ્ય અને આગળના અભ્યાસની તમામ જવાબદારીઓમાં મદદરૂપ થવાનો નિર્ણય કર્યો હતો.
કેન્વીસાના મામા સાગરભાઈ ચૌહાણે જણાવ્યું કે, ગત તા.૨૭મી મેના રોજ કેન્વીસાની માતા નુપુરબહેનનું કોરોનાથી દુઃખદ અવસાન થયું હતું. જયારે પિતા દિનેશભાઈનું સાડાત્રણ વર્ષ અગાઉ કેન્સરના કારણે અવસાન થયું હતું. તેમણે કહ્યું કે, કેન્વીસાથી નાનો ભાઈ નક્ષ ચોથા ધોરણ અભ્યાસ કરે છે. આમ મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ કેન્વીસા અને નક્ષ બન્ને ભાઈ-બહેનના ખાતામાં ચાર-ચાર હજારની ચુકવણી થઈ ચુકી છે. સાચે આ સંવેદશીલ સરકારે ગરીબ પરિવારના અનાથ બાળકોની પડખે ઉભી રહી છે. નોંધનીય છે કે, આજે મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ ખાતેથી માતા અથવા પિતા બન્નેમાંથી એક વાલી ગુમાવનારા બાળકોને ઓનલાઈન રૂા.૨૦૦૦ની ઘનરાશિ તેમના ખાતામાં જમા કરી હતી. જેમાં તા.૨૭મી જુલાઈની સ્થિતિએ સુરત શહેર-જિલ્લાના ૧૮૯ જેટલા બાળકોના ખાતામાં રૂા.બે હજારની ઘનરાશિ જમા થઈ હતી.