વેક્સિનેશનના બીજા ચરણમાં સુરતના ૨.૫૩ લાખ વડીલોનું રસીકરણ થશે : મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની
સુરત શહેરના ૪૮ સરકારી અને એસએમસી હેલ્થ સેન્ટર તેમજ ૨૪ ખાનગી રસીકરણ કેન્દ્રો કાર્યરત
સુરત :દેશમાં ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોના રસીકરણનો શુભારંભ થયો છે, ત્યારે મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ સ્મીમેર હોસ્પિટલ ખાતે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સુરતમાં ૬૦ વર્ષથી વધુ વયના રજિસ્ટ્રેશન કરાવેલા નાગરિકોને જ રસી અપાશે. વરિષ્ઠ નાગરિકો અને ગંભીર બિમારીથી પીડિત ૪૫ વર્ષથી વધુ અને પ૯ વર્ષ સુધીના ૨,૫૩,૦૦૦ લોકોનું રસીકરણ કરાશે. સરકારી હોસ્પિટલ તેમજ એસએમસી હેલ્થ સેન્ટર પર નિ:શુલ્ક રસી આપવામાં આવશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાતે વેક્સિન લઈને કોવિડ-૧૯ સામેની રસી સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.
કમિશનરશ્રી પાનીએ વધુમાં જણાવ્યું કે, કોવિડ વેક્સિનેશન ડ્રાઈવમાં શહેરમાં ૪૮ સરકારી અને એસએમસી હેલ્થ સેન્ટરો તેમજ ૨૪ પ્રાઈવેટ હોસ્પિટલોમાં રસીકરણ કેન્દ્રો કાર્યરત છે. હાલ હાઈ રિસ્ક કેટગરીનો તબક્કો છે કે જેમાં પ્રાયોરિટી એજ ગ્રુપ તરીકે ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને સ્વદેશી કોરોના વેક્સિન આપવામાં આવશે. વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને પહેલા તબક્કામાં કોઈ આડઅસર જોવા મળી નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, જે https://www.cowin.gov.in પોર્ટલ પર ફોટો આઈડી અપલોડ કરી તમારા ઘરના નજીકના સેન્ટરને પસંદ કરી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. જેમાં સરકારી અને એસએમસી હેલ્થ સેન્ટર પર નિ:શુલ્ક રસી અપાશે. હાલના તબક્કે લાયક વ્યક્તિઓએ રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ. સુરતવાસીઓ પોતાના ઘર પરિવાર અને આસપાસના વડીલોને રસીકરણ માટે પ્રેરિત કરે તેમ પણ તેમણે જણાવ્યું હતું.