સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘ડુઇંગ બિઝનેસ વીથ સાઉથ આફ્રિકા’વિષય ઉપર સાઉથ આફ્રિકાના મુંબઇ સ્થિત કોન્સુલ જનરલ હર એકસલન્સી મીસ એન્ડ્રી કુહ્ન સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોન્સુલ જનરલ હર એકસલન્સી મીસ એન્ડ્રી કુહ્નની સાથે કોન્સુલ ઇકોનોમી ડીન હોફ અને બિઝનેસ ડેવલપમેન્ટ એડવાઇઝર રાજન કુમાર પણ ઉપસ્થિત રહયા હતા.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વિદેશ વ્યાપાર ૧૧.પ૦ બિલિયન યુએસ ડોલરનો છે, જેને વધારીને ર૦ બિલીયન યુએસ ડોલર કરવાનો ધ્યેય બંને દેશોની સરકારોએ રાખ્યો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવા માટે ભારત અને સાઉથ આફ્રિકા ખચયહક બ્લોકમાં નકકી થયેલા ફ્રેમવર્ક ઉપર કામ કરી આગળ વધી શકે છે. હાલમાં ભારત તરફથી એકસપોર્ટ થતા પ્રોડકટ્સમાં મોટા ભાગે એગ્રીકલ્ચર ગુડ્સ અને એગ્રો કોમોડીટીઝનો સમાવેશ થાય છે. જ્યારે સાઉથ આફ્રિકાથી ભારતમાં કોલસો, ડાયમંડ, ગોલ્ડ અને મેટલ ઓર્સ આયાત થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારતથી સાઉથ આફ્રિકામાં ટેકનીકલ ટેકસટાઇલ, મેન મેઇડ ફાયબર ટેકસટાઇલ્સ, હેન્ડમેડ પ્રિસેસ મટીરિયલ જ્વેલરી, એન્જીનિયરીંગ ગુડ્સ, ફાર્માસ્યુટીકલ તથા ઓટો મોબાઇલ્સ ક્ષેત્રે પ્રોડકટ્સ એકસપોર્ટ કરવા માટે ઘણી તકો તપાસવાની આવશ્યકતા હોઇ એના માટે એક જોઇન્ટ સ્ટડી ગૃપ બનાવવું જોઇએ.
સાઉથ આફ્રિકાના મુંબઇ સ્થિત કોન્સુલ જનરલ હર એકસલન્સી મીસ એન્ડ્રી કુહ્નએ હાલમાં જ આફ્રિકન યુનિયન સાથે બનાવવામાં આવેલી નવી ટ્રેડ પોલિસી બાહતબ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ રામાપોઝા દ્વારા જાહેર કરાયેલી બંને સરકારની ટ્રેડ પોલિસીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહયું હતું કે, સાઉથ આફ્રિકામાં વર્ષ દરમ્યાન ૪૮૯૦૦ ટન કોટનનું ઉત્પાદન કરવામાં આવે છે. આથી ટેકસટાઇલ અને ગારમેન્ટ ક્ષેત્રે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ માટે વિપુલ તકો સાઉથ આફ્રિકામાં રહેલી છે. આ ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ, એગ્રીકલ્ચર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ કરવા માટે વિશાળ તકો છે.
સાઉથ આફ્રિકાના મુંબઇ સ્થિત કોન્સુલ ઇકોનોમી ડીન હોફે સાઉથ આફ્રિકામાં ફ્રી ટ્રેડ એરિયા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકાની સરકારે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રકચર ખૂબ જ ઝડપી રીતે ડેવલપ કર્યું છે. કેપ્ટીવ પાવર પ્લાન્ટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર વધાર્યું છે. માઇનીંગ ક્ષેત્રે નવી ટેકનોલોજી ડેવલપ કરી છે. એન્જીનિયરીંગ ક્ષેત્રને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન હેઠળ આવરી લીધું છે. તદુપરાંત ઓટોમોટીવ સેકટરની અને એગ્રો પ્રોસેસિંગની વેલ્યુ ચેઇનમાં ઘણી તકો છે. તેમણે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને ટેકસટાઇલ, ડાયમંડ જ્વેલરી, ફૂડ પ્રોસેસિંગ, એગ્રીકલ્ચર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્માસ્યુટીકલ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકા સૌથી વધારે ટેકસટાઇલ આઇટમો ચાઇના પાસેથી આયાત કરે છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં બનતી ટેકસટાઇલ પ્રોડકટની આયાત કરવા માટે તેમજ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને સાઉથ આફ્રિકામાં પ્રમોટ કરવા માટે કોન્સુલ જનરલને અનુરોધ કર્યો હતો. સાથે જ સાઉથ આફ્રિકામાં ટુરીઝમ ક્ષેત્રે ઘણી તકો હોવાથી તેનું પ્રમોશન સ્થાનિક કક્ષાએ ચેમ્બર દ્વારા કરાશે તેમ જણાવ્યું હતું.
તેમણે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ દ્વારા ટેકસટાઇલ, ગારમેન્ટ અને ડાયમંડ જ્વેલરીના નવા યુનિટ સાઉથ આફ્રિકામાં સ્થપાય તે અંગે ચેમ્બર અને સાઉથ આફ્રિકા દ્વારા એક મિડીયમ ટર્મ માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા રજૂઆત કરી હતી. સાઉથ આફ્રિકાના મોટા સરકારી ઇન્ડસ્ટ્રી પ્રોજેકટ તથા ખાનગી પ્રોજેકટનો દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ કેવી રીતે લાભ લઇ શકે? તે અંગેની રૂપરેખા તૈયાર કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત સાઉથ આફ્રિકાનું વીઝા ફેસિલીટેશન સેન્ટર સુરતને મળી રહે તે માટે પણ રજૂઆત કરી હતી.
ચેમ્બરના ગૃપ ચેરમેન અમિષ શાહે ઇન્ટરેકટીવ સેશનનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન / કોન્સુલેટ લાયઝન કમિટીના કો–ચેરમેન હર્ષલ ભગતે સેશનમાં પ્રાસંગિક વિધી કરી હતી. અંતે ચેમ્બરના ગૃપ ચેરમેન રાકેશ ગાંધીએ સર્વેનો આભાર માન્યો હતો અને સેશનનું સમાપન કર્યું હતું.