ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલની બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગમાં ભારતના મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની સંઘર્ષ ગાથા વિષે ૧૩ વર્ષીય ભાવિકા મહેશ્વરીએ માહિતી આપી મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કર્યા
મહિલા સાહસિકોનું એકબીજા સાથે સંકલન થાય તેમજ બિઝનેસમાં નેટવર્કીંગ વધે તે હેતુથી વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા સમયાંતરે બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગો યોજાય છે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા શુક્રવાર, તા. પ ઓગષ્ટ, ર૦રર ના રોજ સાંજે પઃ૩૦ કલાકે પીપલોદના ક્રિસ્ટલ પેલેસ રેસ્ટોરન્ટ ખાતે બિઝનેસ નેટવર્કીંગ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બર દ્વારા વિમેન આંત્રપ્રિન્યોર સેલ થકી મહિલા સાહસિકોને બિઝનેસમાં આગળ વધવા માટે મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. જેના અંતર્ગત આ સેલ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહિલા સાહસિકોનું એકબીજા સાથે સંકલન થાય તેમજ બિઝનેસમાં નેટવર્કીંગ વધે તે હેતુથી બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગો સમયાંતરે યોજાય છે. જેના ભાગ રૂપે આ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સાહસિકોએ પોતપોતાના બિઝનેસ સંબંધિત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
આ મિટીંગમાં ‘સંઘર્ષ સે શીખર તક’પુસ્તકના ઓથર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સૌથી નાની વયના સ્પિરિચ્યુઅલ એન્ડ મોટીવેશનલ સ્પીકર ૧૩ વર્ષીય ભાવિકા રાજેશ મહેશ્વરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના જીવનની સંઘર્ષ ગાથા વર્ણવી મહિલા સાહસિકોને જીવનમાં તથા બિઝનેસમાં વિવિધ સિદ્ધીઓ હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ શિક્ષિકા તરીકે કારકિર્દી શરૂ કરી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જીવનમાં તથા રાજકારણમાં જે મુશ્કેલીઓ આવી તેનો મકકમતાથી સામનો કરીને આજે તેઓએ જે ઊંચાઇ હાંસલ કરી છે તેનાથી ઘણી મહિલાઓને જીવનમાં, બિઝનેસમાં તથા કોઇપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે. તેમણે રામાયણના સુંદરકાંડ સહિતના વિવિધ કાંડના દાખલા આપીને સંઘર્ષમય જીવનને સિદ્ધી તરફ લઇ જવા માટે મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કર્યા હતા.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ આ મિટીંગમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સમગ્ર મિટીંગનું સંચાલન કર્યું હતું. વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર જ્યોત્સના ગુજરાતીએ મહિલા સાહસિકો દ્વારા કરાયેલા બિઝનેસ પ્રેઝન્ટેશનનો સાર રજૂ કર્યો હતો. વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલાએ મિટીંગની રૂપરેખા સાથે સેલની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. વિમેન આંત્રપ્રિન્યોર સેલના કો–ચેરપર્સન કૃતિકા શાહે વકતા ભાવિકા રાજેશ મહેશ્વરીનો પરિચય આપ્યો હતો. અંતે વિમેન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય સંગિતા ચોકસીએ સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું.