SGCCI દ્વારા ‘પોસ્ટ બજેટ એનાલિસિસ’ વિશે વેબિનારનું આયોજન
સુરત, ગુજરાત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘પોસ્ટ બજેટ એનાલિસિસ’ વિશે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા અર્થશાસ્ત્રી ડો. બકુલ ઢોલકીયા અને જાણીતા ચિંતક અને અર્થશાસ્ત્રી ડો. જય નારાયણ વ્યાસ દ્વારા બજેટ અંગે પોતપોતાના વિશ્લેષણો રજૂ કરવામાં આવ્યા હતા.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ વર્ષ ર૦રપ સુધીમાં દેશની ઇકોનોમી પ ટ્રિલિયન યુએસ ડોલર કરવાનું આહ્વાન કર્યું છે. માર્ચ ર૦ર૦માં ભારતના અર્થતંત્રનું કદ રૂપિયા ર૦૩ લાખ કરોડ હતું અને પછી કોવિડ– ૧૯ની મહામારીમાં ભારતનું અર્થતંત્રને ફટકો છે. જેને કારણે આર્થિક વિકાસ દર નેગેટીવ રહયો છે. નાણાં મંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટને કારણે વર્ષ ર૦રપ સુધીમાં દેશની ઇકોનોમી પ ટ્રિલિયન યુએસ ડોલર કેવી રીતે બનશે? તે દિશામાં આજના નિષ્ણાંતો માર્ગદર્શન આપશે.
ડો. બકુલ ઢોલકીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સૌથી મહત્વનું બજેટ કહી શકાય છે. ગત દસ વર્ષ અને આગામી દસ વર્ષને ધ્યાનમાં લઇએ તો આ સૌથી મહત્વ ધરાવતું બજેટ છે. વિશ્વમાં ભાગ્યેજ કોઇ દેશ હશે જેને મંદી જોઇ ન હશે પણ ભારતે છેલ્લા ૪૦ વર્ષમાં મંદી જોઇ ન હતી. વેસ્ટર્ન કન્ટ્રીમાં ગરીબીનું પ્રમાણ વધારે નથી. મંદીમાં સરકાર સપોર્ટ આપે છે એટલે તેઓને મુશ્કેલી નડતી નથી. પરંતુ ભારતમાં કોરોનાને કારણે ગરીબ લોકોની સંખ્યામાં વધારો થયો છે. લોકડાઉનને કારણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન બંધ થઇ ગયું હતું અને બધી સર્વિસિસ બંધ હતી. આ બધા પડકારોની વચ્ચે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા બધાનો સૂર એક જ હતો. ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ખર્ચ કરવાની જોગવાઇ કરાઇ છે. નવી બેડ બેંકના આઇડીયાને અમલમાં મુકાશે તો રૂપિયા ર.ર૦ લાખ કરોડનો એનપીએ ટેકઓવર કરી લેશે. આથી બે વર્ષમાં બેંકોની બેલેન્સશીટ કલીયર થઇ જશે. ઈન્સ્યુરન્સ સેકટરમાં એફડીઆઇને ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરવામાં આવી છે. આ બાબત ગેમ ચેઇન્જર સાબિત થશે. આની હેલ્થ, ઓટોમોબાઇલ્સ અને રીયલ એસ્ટેટ સેકટર ઉપર પોઝીટીવ અસર પડશે. જેને કારણે દેશના અર્થતંત્રનો વિકાસ તો થશે જ પણ ટકશે પણ ખરો. તેમણે કહયું કે, કોવિડ– ૧૯ની વર્તમાન પરિસ્થિતિમાં બજેટમાં શું મળ્યું અને શું ન મળ્યું? એ જોવાને બદલે દેશના અર્થતંત્રના વિકાસની દૃષ્ટિએ બજેટને જોવાની જરૂર છે. દેશ માટે બજેટ સર્વાંગી રીતે ઘણું સારું છે.
ડો. જય નારાયણ વ્યાસે જુદી–જુદી સંસ્થાઓ દ્વારા કરાયેલા સર્વેના રિપોર્ટ રજૂ કર્યા હતા. તેમણે કહયું હતું કે બધાને એવો ડર હતો કે બજેટમાં કોરોના સેસ નાંખવામાં આવશે તો મુશ્કેલી ઉભી થઇ જશે. પરંતુ બજેટમાં એવું કશું નાંખવામાં આવ્યું નથી એટલે રાહત થઇ છે. પરંતુ એગ્રી સેસને કારણે મોંઘવારી વધવાની શકયતા રહેલી છે. કેન્દ્રીય બજેટમાં નાણાં મંત્રીએ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જોગવાઇ કરવાની જરૂર હતી. કરદાતાઓને પણ આવક મર્યાદા વધશે તેવી અપેક્ષા હતી. લોકડાઉનમાં જે લોકો બેરોજગાર થયા તેઓના માટે બજેટમાં જોગવાઇ કરવામાં આવી હોત તો સામાન્ય વર્ગ પણ સચવાઇ ગયો હોત. તેમણે કહયું હતું કે, બજેટને કારણે મોટા ઉદ્યોગોનો વિકાસ થશે અને તેની સાથે સાથે નાના ઉદ્યોગોને પણ તેનો લાભ મળશે. ટૂંકમાં બજેટને કારણે દેશની અર્થ વ્યવસ્થામાં સુધારો થશે તેવી આશા તેમણે વ્યકત કરી હતી.
ચેમ્બરના ગૃપ ચેરમેન દીપકકુમાર શેઠવાલાએ સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ વકતાઓનો ટૂંકમાં પરિચય આપ્યો હતો. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.