શ્રુતિ ઈ.એન.ટી હોસ્પિટલની ૧૦૦૦ બાળકોની નિ: શબ્દ થી શબ્દની યાત્રા
શ્રુતિ કોકલિયર ઈમ્પ્લાન્ટ કરેલા બાળકોનો અદ્ભુત કાર્યક્રમ યોજાયો
સુરત: શ્રુતિ ઈ.એન.ટી હોસ્પિટલ નો શ્રુતિ કોકલિયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામ છેલ્લા 16 વર્ષથી ચાલી રહ્યો છે. જેમાં 1 હજાર જેટલા ઈમ્પ્લાન્ટના સફળ ઑપરેશન કરવામાં આવ્યા હતા. જેથી તેની ઉજવણી કરવા નિઃશબ્દ બનેલા બાળકો માંથી હવે શબ્દની યાત્રા માં જોડાયેલા બાળકો માટે ઉજવણી કરવા શહેરના પાર્લે પોઇન્ટ ખાતે આવેલ મૂક બધીર વિકાસ ટ્રસ્ટ ની શાળા ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા, બાળકો માટે,બાળકોનો ફેશન શો, ટોક શો, કેબીસી કોન્ટેસ્ટ અને પદવીદાન સમારોહ જેવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા, જે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ આ બાળકો દ્વારા જ કરવામાં આવ્યું હતું.
શ્રુતિ ઈ.એન.ટી હોસ્પિટલ તેમજ ચિન્મય પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક ડૉ. સૌમિત્ર શાહ એ જણાવ્યું હતું કે, અમારા શ્રુતિ કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ ને આજે ૧૬ વર્ષ પૂરા થયા છે. આ વર્ષ દરમિયાન અમે ૧૦૦૦ કોકલિયર ઇમ્પ્લાન્ટ ના ઑપરેશનો સફળ રીતે કર્યા છે.જેમાં ગવર્નમેંટ નો ઘણો ફાળો છે જેમણે અમારા બહેરાશ ધરાવતા બાળકો માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ ફાળવ્યા અને જેને કારણે અમે આ કાર્ય સફળ રીતે પાર પાડ્યું છે. તે ઉપરાંત અમારા ઘણા દાતાશ્રીઓ એ પણ ગરીબ દર્દીઓ ને બનતી સહાય કરી છે અને બાળકો ના વાલીઓ ની મહેનત કે જે ઓપરેશન પછી ની થેરાપી માટે અત્યંત જરૂરી હોય છે, તેમાં વાલી ઓ તેમજ અમારા થેરાપિસ્ટો એ ઘણી જેહમત ઉઠાવી હતી.
જન્મ થી બહેરા બાળકો નું વહેલા માં વહેલુ નિદાન કરી ને તેમને યોગ્ય સારવાર કરવા માં આવે તો બાળક ને સાંભળતું અને બોલતું કરી શકાય છે. જે પછી થી સામાન્ય બાળકો ની શાળા માં જઈ શકે છે. હવે તો બાળક જન્મતા ની સાથે જ બહેરાશ નું નિદાન OAE તપાસ દ્વારા થઈ શકે છે. એ તપાસ માં ‘ ફેઇલ ‘ થયેલ બાળક ને બીજી આગળ વધુ તપાસ કરી ને નિદાન તેમ જ કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે સલાહ– સૂચન અપાય છે. આ એક ઘણો મોટો પડકાર, સમાજ માટે કહી શકાય, કારણ કે બહેરાશ કદી બીજી ખોડખાંપણ ની માફક જોઈ શકાતી નથી, એટલે આપણો સમાજ પણ એ બાબતે એટલો જાગૃત નથી, જે બીજી ખોડખાંપણ ને જોઇને તરત જ સારવાર કરાવવા નું વિચારે છે. તો આવા બાળકો ના નિદાન, સારવાર અને ટ્રેનિંગ માટે સૌ એ મળી ને જન્મજાત બહેરાશ ધરાવતા બાળકો ને નીરવ શાંતિમાંથી કોલાહલ ની દુનિયા માં, એટલે કે નિઃ શબ્દ ની દુનિયા માંથી શબ્દો ની દુનિયામાં યાત્રા કરાવવા સાથ આપીએ.
શ્રુતિ કોકલિયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ ઈમ્પ્લાન્ટ કરેલા બાળકો દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના મહિલા ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને ડો. પારુલ વડગામા વિશેષ અતિથી તરીકે ઉપસ્થીત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સવારથી બપોર સુધી બાળકો દ્વારા વીવીધ પ્રવૃત્તિના આયોજનો થયા હતા. જેમાં બાળકોનો ફેશન શો, ક્વિઝ સ્પર્ધા, ટોક શો અને પદવીદાન સમારોહ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામ બાળકો ઉત્સાહથી જોડાયા હતા.