સુરતને મેગા કેમિકલ એન્ડ ફાર્મા પાર્ક ફાળવવા માટે રજૂઆત
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્ ખજાનચી મનિષ કાપડીયાની આગેવાનીમાં મેનેજિંગ કમિટીના સભ્ય અલ્પેશ જોશી સહિતના પ્રતિનિધી મંડળે ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સના કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાની બેંગ્લોર ખાતે તેમના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત કરી સુરતને મેગા કેમિકલ એન્ડ ફાર્મા પાર્ક ફાળવવા માટે રજૂઆત કરી હતી.
ચેમ્બરે કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ ટેકસટાઇલ કેમિકલ્સ, એગ્રો કેમિકલ્સ, પેસ્ટીસાઇડ્સ અને ફાર્માસ્યુટીકલ્સ ક્ષેત્રે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત હરણફાળ ભરી રહયું છે. સુરતમાં કસ્ટમ નોટિફાઇડ કાર્ગો એરપોર્ટ છે. અદાણી હજીરા પોર્ટ અને વેસ્ટર્ન રેલ્વેલાઇન છે. સુરતમાંથી સમગ્ર ભારતમાં તેમજ પશ્ચિમી દેશોમાં આયાત અને નિર્યાત માટેની સુવિધા ઉપલબ્ધ થઇ છે. પેટ્રો કેમિકલ્સ ક્ષેત્રે વિશાળ કોમ્પલેક્ષ સુરતમાં આવ્યા છે. અદાણી હજીરા પોર્ટ ખાતે લિકવીડ કાર્ગો હેન્ડલીંગ સિસ્ટમ પણ કાર્યરત થઇ છે. આથી કેમિકલ્સ અને ફાર્માને લાગતા રો મટિરિયલ્સ આસાનીથી આયાત થઇ શકે છે અને સુરતથી ફિનીશ્ડ પ્રોડકટ નિર્યાત પણ થઇ શકે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને સુરતને મેગા કેમિકલ એન્ડ ફાર્મા પાર્ક ફાળવવા માટે રજૂઆત કરાઇ હતી.
ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતને કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. મંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ઉપસ્થિત થયેલી કોવિડ– ૧૯ની પરિસ્થિતિને કારણે ભારતના વડાપ્રધાન પણ કેમિકલ્સ એન્ડ ફાર્મા ક્ષેત્રે આપણા દેશને પૂર્ણપણે સ્વાવલંબી બનાવવાની દિશામાં પ્રયાસ કરી રહયાં છે અને બજેટમાં પણ કેમિકલ્સ એન્ડ ફાર્મા પાર્ક માટે જોગવાઇ કરવામાં આવી છે ત્યારે સરકાર તરફથી આ અંગે સંપૂર્ણ મદદ કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત ચેમ્બર દ્વારા એપ્રિલ ર૦ર૧માં યોજાનારા ‘યાર્ન એક્ષ્પો’ માટે કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. ચેમ્બરના આમંત્રણને સહર્ષ સ્વીકારી કેન્દ્રીય મંત્રીએ યાર્ન એક્ષ્પોમાં પધારવા માટેની ખાતરી આપી હતી.