ડોનેટ લાઈફ દ્વારા વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં વધુ એક અંગદાન વિનસ હોસ્પિટલથી કરાવવામાં આવ્યું
લેઉવા પટેલ સમાજના વિપુલભાઈ લાભુભાઈ ભીકડીયા ઉ.વ૩૮ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બ્રેઈનડેડ વિપુલભાઈના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
ઈ – ૪૦૩, જલદર્શન એપાર્ટમેન્ટ, કોઝવે રોડ, સિંગણપોર ગામ,સુરત મુકામે રહેતા અને કતારગામમાં એમ્બ્રોઇડરીનું યુનીટ ધરાવતા વિપુલભાઈને તા. ૨૨ ડિસેમ્બરના રોજ માથામાં દુઃખાવો અને ઉલ્ટી થતા તેમને કતારગામમાં આવેલ અનુભવ હોસ્પીટલમાં દાખલ કર્યા બે દિવસની સારવાર બાદ તેમની તબીયતમાં સુધારો જણાતા તેમને તા. ૨૪ ડિસેમ્બરના રોજ હોસ્પીટલ માંથી રજા આપવામાં આવી હતી ઘરે આવ્યા બાદ થોડા કલાક પછી તેમણે ખેંચ આવતા તેમને ફરી અનુભવ હોસ્પીટલમાં દાખલ કર્યા ત્યારબાદ વધુ સારવાર માટે તેમને તા. ૨૫ ડિસેમ્બરના રોજ વિનસ હોસ્પિટલમાં ડૉ. રાકેશ કળથીયાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા નિદાન માટે CT સ્કેન કરાવતા મગજની નસમાં લોહીનો ફુગ્ગો થઇ જવાને કારણે મગજની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું ન્યુરોસર્જન ડૉ. મેહુલ બાલધા અને ડૉ. જતીન માવાણીએ ક્લીપીંગ કરી મગજની ફાટી ગયેલી નસ બંધ કરી હતી ત્યારબાદ ફરી CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું ન્યુરોસર્જન ડૉ. મેહુલ બાલધાએ ૧ જાન્યુઆરીના રોજ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગથ્થો અને સોજોદુર કર્યો હતો.
તા. ૫ જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડૉ. મેહુલ બાલધા, ફીઝીશયન ડૉ. રાકેશ કળથીયા, ઇન્ટેન્ટસીવીસ્ટડૉ. પ્રેક્ષા જૈન, ડૉ. આકાશ બારડ, મેડીકલ ઓફિસર ડૉ. પાયલ પાટીલે વિપુલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.
ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.પ્રેક્ષા ગોયલે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી વિપુલભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિપુલભાઈની પત્ની આશાબેન, ભાઈ ભાવેશભાઈ, બનેવી દિલીપભાઈ અને વિજયભાઈ, સાળા વિપુલભાઈ અને જીગ્નેશભાઈ, પુત્ર ધાર્મિક અને પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
વિપુલભાઈના પરિવારજનોએ જણાવ્યું કે વિપુલભાઈ ની કિડની છેલ્લા ચાર વર્ષથી ખરાબ થઇ ગઈ હતી અને તેમને કિડનીના ટ્રાન્સપ્લાન્ટની જરૂરત હતી. ઓર્ગન નિષ્ફળ થાય તેની પીડા અમે પણ અનુભવી છે. અમે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃતિને સોશીયલ મીડિયામાં ફોલો કરી રહ્યા છે તેમજ વારંવાર વર્તમાનપત્રોમાં પણ ડોનેટ લાઇફની અંગદાનની પ્રવૃત્તિના સમાચાર વાંચતા હતા ત્યારે અમે હંમેશા વિચારતા હતા કે આ માનવ સેવા નું ઉમદા કાર્ય છે. આજે અમારું સ્વજન બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે અમારા સ્વજનના અંગોના દાનથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તમે અંગદાન માટે આગળ વધો. વિપુલભાઈના પરિવારમાં તેમની પત્ની આશાબેન, પુત્રી નિષ્ઠા ઉ.વ ૧૬ કે જે શારદા વિધ્યાલયમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે, પુત્ર ધાર્મિક ઉ.વ ૧૫ શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો.SOTTO દ્વારા હૃદયમુંબઈની જશલોક હોસ્પિટલને, ફેફસાં ચેન્નાઈની MGM હોસ્પિટલને અને લિવર અમદાવાદની IKDRCને ફાળવવામાં આવ્યા.
મુંબઈની જશલોક હોસ્પિટલના ડો.ઉપેન્દ્ર ભાલેરાવ અને તેની ટીમ તથા ચેન્નાઈની MGM હોસ્પિટલના ડો. સેંથિલ કુમાર અને તેમની ટીમ હ્રદય અને ફેફસા નું દાન સ્વીકારવા સુરત આવ્યા હતા પરંતુ હ્રદય અને ફેફસા ખરાબ થઈ ગયા હોવાથી તેનું દાન સ્વીકારી શકાયું ન હતું. લિવરનું દાન IKDRCના ડો. સુરેશ કુમાર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ એક જરૂરિયાતમંદ દર્દીમાં અમદાવાદની IKDRC માં કરવામાં આવ્યું છે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં વિપુલભાઈના પત્ની આશાબેન, પુત્રી નિષ્ઠા, પુત્ર ધાર્મિક,ભાઈ ભાવેશ, બનેવી દિલીપભાઈ અને વિજયભાઈ, સાળા વિપુલભાઈ, જીગ્નેશભાઈ, ભીકડીયા પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.મેહુલ બાલધા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. આકાશ બારડ, ડો. પ્રેક્ષા ગોયલ, ફીજીશિયન ડૉ.રાકેશ કળથીયા, મેડીકલ ઓફિસર ડૉ. પાયલ પાટીલ, ડો. રોનક યાજ્ઞિક, ડો, રવિસા શેઠ, ડો. વીરેન પટેલ, વિનસ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના ટ્રસ્ટી હેમંત દેસાઈ, જગદીશભાઈ ડુંગરાણી, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહિર પ્રજાપતિ, રોહન સોલંકી સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૬૪ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૪૬ કિડની, ૧૯૧ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૩ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૪૬ ચક્ષુઓના દાનથી કુલ ૯૭૭ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.