૧૮૧ હેલ્પલાઈન નાનપુરાની વૃદ્ધા માટે સાચા અર્થમાં હેલ્પફુલ બની
મહિલાના વાલીવારસની જાણકારી મળે તો સંપર્ક કરવા અનુરોધ
સુરત: મહિલાઓને અભયવચન આપતી ‘અભયમ ૧૮૧ હેલ્પલાઇન’ પર આવતા દરેક ફોનમાં કોઇ ને કોઇ મહિલાની તકલીફ છુપાયેલી હોય છે. અભયમ આવી પીડિત મહિલાઓ માટે સંકટ સમયની સાંકળ સાબિત થઈ છે. અભયમ અને સેવાભાવી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટએ ૮૦ વર્ષીય અશક્ત વયોવૃદ્ધ મહિલાને આશ્રય આપ્યો છે.
વિગતો જોઈએ તો, નાનપુરા વિસ્તારમાંથી એક સંવેદનશીલ વ્યક્તિએ અજાણી વૃદ્ધા મળી આવી હોવાથી મદદ પહોંચાડવાની ભાવનાથી ૧૮૧ મહિલા હેલ્પલાઈનને કોલ કર્યો હતો. કતારગામ અભયમ રેસ્ક્યુ વાન અને સુરત ટીમ તાત્કાલીક દર્શાવેલા સ્થળે પહોંચી હતી. અભયમમે વૃદ્ધા સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, વૃદ્ધ મહિલા બરાબર સાંભળી તેમજ ચાલી શકે તેવી પરિસ્થિતિમાં નથી. તેઓ ફૂટપાથ પર બેસતા હતા અને જે કોઈ વ્યક્તિ એમણે ખાવાનું આપી જતા તે ખાઈને જીવન જીવી રહ્યા હતા. શહેરમાં તેમના કોઈ પણ સગાસંબંધી નથી. જેના કારણે અભયમ ટીમે પીડિત વૃદ્ધાને સમજાવીને કામરેજ સ્થિત વૃધ્ધોની કાળજી લેતી સંસ્થા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આશ્રય અપાવ્યો હતો.
આ મહિલા વિષે કે તેના વાલીવારસની કોઈને જાણકારી મળે તો ૧૮૧ અભયમ હેલ્પલાઈન અથવા માનવ સેવા ટ્રસ્ટના મો.૭૩૫૯૨ ૬૫૦૦૦ ઉપર સંપર્ક સાધવા વિનંતી છે.